Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Today’s News:‘બડા દોસ્ત’માં ‘ચોરખાનું’ બનાવી દારૂની હેરાફેરી કરવા નીકળેલા બે હીરાઘસુઓને સુરત ગ્રામ્ય LCBએ ચલથાણ હાઈવે પર જ ‘પાના-પકડ’ ફિટ કરી દીધા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કહેવાય છે ને કે કાયદાના હાથ લાંબા હોય છે, પણ બુટલેગરોના મગજ ક્યારેક એનાથીય વધુ ‘ક્રિએટિવ’ થવા જાય છે, પરંતુ સુરત ગ્રામ્ય LCB આગળ એમનું કંઈ ચાલતું નથી. આવી જ એક રસપ્રદ ઘટના સુરત જિલ્લાના કડોદરા GIDC પોલીસ સ્ટેશનની હદમાં આવતા ચલથાણ ગામે નેશનલ હાઈવે નંબર-48 પર જોવા મળી. જ્યાં સેલવાસથી ભાવનગર તરફ જઈ રહેલા એક અશોક લેલન ‘બડા દોસ્ત’ ટેમ્પોને પોલીસે ફિલ્મી ઢબે આંતરી લીધો.

બન્યું એવું કે, સુરત રેન્જ આઈજી પ્રેમ વીર સિંહ સાહેબ અને સુરત ગ્રામ્ય પોલીસ વડા રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ખાસ ડ્રાઈવ ચાલી રહી છે. આ દરમિયાન LCBના પી.આઈ. એન.જી. પાંચાણી અને તેમની ટીમને એક પાક્કી બાતમી મળી. બાતમી એવી હતી કે એક ટેમ્પો નંબર: GJ-19-Z-3764 ડાલાના ભાગે ખાસ ‘ચોરખાનું’ બનાવીને, તેમાં વિદેશી દારૂનો માતબર જથ્થો છુપાવીને વડોદરા તરફ જઈ રહ્યો છે.

બાતમી મળતા જ LCBની ટીમે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગર સામે રોડ પર વોચ ગોઠવી દીધી. જેવો જ બાતમી વાળો ટેમ્પો ત્યાંથી પસાર થયો, પોલીસે તેને ‘સ્ટોપ’ કહીને ઊભો રાખ્યો. ટેમ્પો જોતાં તો ઉપર લિક્વિડ ડિટર્જન્ટના કેરબાઓ ભરેલા હતા, પણ જ્યારે પોલીસે ઝીણવટભરી તપાસ કરી ત્યારે ડાલાની નીચે બનાવેલું ગુપ્ત ચોરખાનું ખુલી ગયું! અંદરથી વિદેશી દારૂની નાની-મોટી એક-બે નહીં, પણ પૂરી ૨૮૩ નંગ બાટલીઓ (કિંમત રૂપિયા ૫,૨૫,૩૮૦/-) મળી આવી.

પોલીસે જ્યારે ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે આ બંને મહાશયો સુરતના વરાછા વિસ્તારમાં રહેતા હીરાઘસુઓ છે જેમાં પ્રશાંત ઉર્ફે કાળુ ભુપતભાઈ ભંભાણા- ટેમ્પો ચાલક (મુળ જુનાગઢનો) અને પુનીત દિલીપભાઈ સોધાતર- ક્લીનર (મુળ મહુવાનો) છે.

મજાની વાત એ છે કે, ડ્રાઇવર પ્રશાંત ઉર્ફે કાળુ કંઈ કાચો ખેલાડી નથી, તેની પર અગાઉ કાપોદ્રા, પુણા, વરાછા, સરથાણા, વ્યારા અને પાસા (PASA) સહિતના ૧૦ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે! જાણે ભાઈનો દારૂની હેરાફેરીનો જૂનો અને ‘જાણીતો’ ઇતિહાસ છે.આ દારૂ સેલવાસ મહારાષ્ટ્ર બોર્ડર પરથી ભરી આપનાર ‘ભીમો’ અને ભાવનગરના વલભીપુર ખાતે દારૂ મંગાવનાર ‘નાગજી શામજી મકવાણા’ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા બંને આરોપીઓ અને મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે કડોદરા GIDC પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

બુટલેગરોએ દારૂ છુપાવવા માટે ભલે ‘બડા દોસ્ત’ ટેમ્પો અને ગુપ્ત ચોરખાનાનો સહારો લીધો, પણ સુરત ગ્રામ્ય LCBની ટીમે સાબિત કરી દીધું કે કાયદાથી ‘બડો દોસ્ત’ બીજો કોઈ નથી!