રાજ્યમાં ચોમાસા દરમિયાન ડામરના રસ્તા તૂટી જવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓ હવે ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટ (CC)થી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર નુકસાન પામતા હોવાથી નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ માટે સરકારે CC રોડને પ્રાધાન્ય આપ્યું છે.
સરકારે ગામતળના પાણી ભરાતા વિસ્તારો તેમજ ભારે વાહનવ્યવહાર ધરાવતા ઔદ્યોગિક વિસ્તારોમાં પણ તબક્કાવાર CC રોડ બનાવવાનો નિર્ણય કર્યો છે. ડામર રોડની સરખામણીએ CC રોડનો ખર્ચ 30થી 40 ટકા વધુ હોવા છતાં, પ્રજાને ટકાઉ અને ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.




