અમદાવાદ જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને દુકાનદારોને આર્થિક રાહત આપવા રાજ્ય સરકારે વિશેષ પુનઃવસન સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની માહિતી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી.
પેકેજ હેઠળ લારી-રેકડી ધારકોને રૂ.7,500, નાની કેબિનધારકોને રૂ.25,000, મોટી કેબિનધારકોને રૂ 50,000 તથા છેલ્લા ત્રિમાસિકનું GST રિટર્ન ભરેલા પાકા દુકાનધારકોને રૂ.1 લાખની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે.
આ ઉપરાંત, GST રિટર્નના આધારે પાત્ર વેપારીઓને રૂ.20 લાખથી રૂ.30 લાખ સુધીની ટર્મ લોન પર ત્રણ વર્ષ સુધી 7 ટકા વ્યાજ સહાય પણ મળશે. જોકે, રોકડ સહાય અથવા વ્યાજ સહાયમાંથી માત્ર એક જ લાભ મળી શકશે. સહાય માટે નુકસાનનો સર્વે, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના આધારે પાત્રતા નક્કી કરવામાં આવશે.




