ગાંધીનગર: ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી (GSACS) દ્વારા ૧૨ ઓગસ્ટથી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘ઇન્ટેન્સિફાઇડ IEC કેમ્પેઈન-૩.૦’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ચાલો સહભાગી બનીએ, ભેદભાવ ન કરીએ’ થીમ સાથે શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ HIV સંક્રમણ અટકાવવા સાથે HIV અને AIDS અંગે જાગૃતિ વધારવાનો તથા ભેદભાવ દૂર કરવાનો છે.
અભિયાન અંતર્ગત રાજ્યના ૩૪ જિલ્લાઓમાં જાગૃતિ રેલીઓ, આરોગ્ય શિબિરો, શાળા-કોલેજોમાં કાર્યક્રમો અને ૩ હજારથી વધુ ગામોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. ફોક શો, નાટકો અને ડાયરાના માધ્યમથી પણ લોકોને HIV અંગે જાગૃત કરવામાં આવશે.
અભિયાન દરમિયાન HIV સંક્રમણના મુખ્ય કારણો, બચાવના ઉપાયો તેમજ HIV અને AIDS (Prevention and Control) Act, 2017 હેઠળ ગોપનીયતા અને ભેદભાવથી રક્ષણ અંગે માહિતી આપવામાં આવશે. HIV તથા STI સંબંધિત તપાસ અને સારવાર સહિતની આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો સહિત આરોગ્ય વિભાગ અને GSACSના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યને વર્ષ ૨૦૩૦ સુધી એડ્સમુક્ત બનાવવાના સંકલ્પ સાથે આ મહાજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે.




