Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જૂની અદાવતમાં યુવકની હત્યા : 8 આરોપી ઝડપાયા, ત્રણ મુખ્ય આરોપીઓની શોધખોળ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીના વધતા બનાવો વચ્ચે સુભાષબ્રિજ વિસ્તારમાં યુવકની હત્યાના ચકચારી કેસમાં રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી છત્રાલ GIDCના એક ગોડાઉનમાંથી હત્યામાં સંડોવાયેલા 8 આરોપીઓને પકડી પાડ્યા છે. જ્યારે મુખ્ય આરોપીઓ અંકિત, વિશાલ અને પાર્થ હજુ પોલીસ પકડથી દૂર હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવક અજય સાલવીની હત્યા જૂની અદાવતના કારણે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં આરોપીઓનો એક સમાજના કેટલાક લોકો સાથે ઝઘડો થયો હતો. આ દરમિયાન અજય સાલવીએ તે સમાજના લોકોનો પક્ષ લીધો હતો. આ બાબતને લઈને આરોપીઓ અજય પ્રત્યે અદાવત રાખતા હતા અને તેની હત્યાની તક શોધી રહ્યા હતા.બે દિવસ પહેલાં મોડી રાત્રે અજય સુભાષચંદ્ર બોઝ સર્કલ નજીક હતો ત્યારે વિશાલ, અંકિત, સાગર સહિતના આરોપીઓ પિકઅપ વાનમાં ત્યાં પહોંચ્યા હતા. આરોપીઓએ તલવાર, ધારિયાં અને છરી જેવા હથિયારો વડે અજય પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અજયનું મોત થયું હતું. ઘટનાની બાદ આરોપીઓ પિકઅપ વાહનમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

સમગ્ર ઘટનાક્રમના CCTV ફૂટેજ પણ પોલીસના હાથ લાગ્યા હતા.હત્યામાં વપરાયેલા પિકઅપ ડાલાના નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી વાહનનું લોકેશન છત્રાલ GIDC વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ રાણીપ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમે ગોડાઉન પર દરોડો પાડી પિકઅપ વાહન સાથે 8 આરોપીઓને ઝડપી લીધા હતા.હાલ ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ અંકિત, વિશાલ અને પાર્થ સહિતના મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.