ભુજ/ભચાઉ/અબડાસા/માંડવી: કચ્છ જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ચોરીની ચાર ઘટનાઓ સામે આવી છે. જેમાં ભુજમાં ટંકારાના મામલતદારના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂ.૨.૫૩ લાખની મત્તા ચોરી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ભચાઉ તાલુકામાં કંપનીના સ્ટોર યાર્ડમાંથી રૂ.૧૩.૦૪ લાખનો કિંમતી એલ્યુમિનિયમ વાયર ચોરાયો છે. અન્ય બે બનાવોમાં પવનચક્કીઓમાંથી વાયર અને ઓઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
ભુજ શહેરની આશાપુરા સોસાયટીમાં ટંકારાના મામલતદાર પ્રફુલ્લ ગોરનું મકાન આવેલું છે. મકાન બંધ હોવાની તક ઝડપી અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ રૂ.૨.૫૩ લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.બીજી ઘટનામાં ભચાઉ તાલુકાના પીપરાપાટી નજીક આવેલી કે.ઈ.સી. ઈન્ટરનેશનલ લિમિટેડ કંપનીના સ્ટોર યાર્ડને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અહીંથી ૧૮૫૦ મીટર હાઈટેન્શન વીજલાઈનનો કિંમતી એલ્યુમિનિયમ વાયર, જેની કિંમત રૂ.૧૩.૦૪ લાખ હોવાનું જાણવા મળે છે, ચોરી કરવામાં આવ્યો હતો. આ અંગે કંપનીના સ્ટોર ઈનચાર્જે સામખીયાળી પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અબડાસા તાલુકાના વાંકુ ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી રૂ.૧૩,૫૦૦ની કિંમતના વાયર ચોરાયા હતા. આ અંગે જખૌ પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.દરમિયાન ગઢશીશા પંથકના કરોડિયા મોટી સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કીના ડી.પી.માંથી ચોરાયેલું અંદાજે રૂ.૫૦ હજારની કિંમતનું ૧૦૦૦ લિટર ઓઈલ પોલીસે ઝડપી પાડ્યું હતું. આ મામલે ગઢશીશા પોલીસે નારાણ કરશન ગઢવી (રહે. કોટાયા, માંડવી)ને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.જિલ્લામાં એક પછી એક ચોરીના બનાવો સામે આવતાં તસ્કરો સામે પોલીસ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.



