Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાતની ૨૬ બેઠક પરથી ૨ કરોડ ૨૨ લાખ મત અંકે કરવા માટેનું ગણિત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠક પર ઓછામાં ઓછા ૫ લાખથી વધુ મતની લીડ મેળવવા માટે ગુજરાત ભાજપ દ્વારા વ્યૂહરચના ઘડી નાંખવામાં આવી છે. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો રહ્યા હોય વ્યૂહરચના અનુસાર ભાજપ કામે પણ લાગી ગયું છે. જેમાં ચૂંટણીમાં જીતના પાયામાં બુથ પ્રમુખોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી રહી છે.લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ૨૬ બેઠક પરથી ૨ કરોડ ૨૨ લાખ મત અંકે કરવા માટેનું ગણિત મંડાઇ રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બુથ પ્રમુખોને સંબોધતા જણાવ્યું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા જઇ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે પણ ત્રીજી વખત ૨૬માંથી ૨૬ બેઠક જીતીને હેટ્રીક તો સર્જવાની છે સાથે કંઇક વિશેષતા પણ કરવાની છે.

જો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક જીતી શકતા હોઇએ તો લોકસભાની ૨૬ બેઠક પર ઓછામાં ઓછા ૫ લાખની લીડ મેળવી શકાય તેવો મને વિશ્વાસ છે. બુથ પ્રમુખોને સૂચવેલા પાંચ કામો સિસ્ટમ મુજબ કરવામાં આવશે તો ૫ લાખથી વધુ મતની લીડ ચોક્કસ પાર કરી શકાશે. બુથ પ્રમુખે કમિટીના ૧૪ સભ્યની બેઠક યોજીને જવાબદારી સોંપવા સાથે તેઓને આગેવાની લેવા પ્રેરિત કરવાના છે. ગુજરાતમાં ૧ કરોડ ૧૩ લાખ ભાજપના પ્રાથમિક સદસ્ય નોંધાયા છે અને ૭૪ લાખ પેજ કમિટીના સભ્યો છે. ભાજપના પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સભ્ય વચ્ચે ફરક એટલો છે કે એક જ ઘરમાંથી બેથી પાંચ વ્યક્તિ ભાજપના પ્રાથમિક સદસ્ય હોઇ શકે છે.

પરંતુ પેજ કમિટીમાં એક ઘરમાંથી એક જ વ્યક્તિ હોય છે. ભાજપના ૭૪ લાખ પેજ કમિટીના સભ્યો છે મતલબ ગુજરાતના ૭૪ લાખ ઘરમાં ભાજપનો એક સભ્ય છે. ભાજપના ૭૪ લાખ સભ્યો છે જેઓના ઘરમાં સરેરાશ ત્રણ મત હોય કુલ ૨ કરોડ ૨૨ લાખ મત છે. જો લોકસભાની ચૂંટણીમાં ૨ કરોડ ૨૨ લાખ મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તો કોંગ્રેસના ૨૬ ઉમેદવારોની ડીપોઝીટ પણ બચી શકે નહીં. હું કોઇ દાવો કરતો નથી અને ડંફાશ મારવી એ મારો સ્વભાવ નથી. મેં જે કહ્યું છે તે કર્યુ છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ જમા થઇ જાય એટલી તાકાત લગાવો. ગત ચૂંટણીમાં ભાજપને ૧ કરોડ ૬૮ લાખ મત અને કોંગ્રેસને ૮૦ લાખ મત મળ્યા હતા.

જો આ વખતે ભાજપને ૨ કરોડ ૨૨ લાખ મત મળી જાય તો ૫૦થી ૫૫ લાખ મત વધી જાય અને કોંગ્રેસના ૮૦ લાખ મતમાંથી ૫૦થી ૫૫ લાખ મત ઓછા થઇ જાય તો કેટલા બચશે? આમ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ પણ જમા થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ગુજરાત ભાજપે તાકાત લગાવીને આ વખતે ઇતિહાસ સર્જવાનો છે એમાં કોઇ ચૂક થવી જોઇએ નહીં. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીમાં દરેક બુથ પર ૯૦ ટકા મતદાન થાય તેની માટે બુથ પ્રમુખોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ દરેક બુથ પર ૯૦ ટકા મતદાન થાય તે માટે સિસ્ટમ બનાવીને તે મુજબ કામ કરવા બુથ પ્રમુખોને સૂચના આપવામાં આવી રહી છે.

સિસ્ટમ પ્રમાણે સૌપ્રથમ દરેક બુથ પ્રમુખને કમિટીના ૧૪ સભ્યોની મીટીંગ બોલાવવાનું સૂચન કર્યુ છે. તેમજ ૬ઠ્ઠી એપ્રિલના રોજ ભાજપના સ્થાપના દિવસ પૂર્વે ભાજપના દરેક પેજ કમિટીના સભ્યોના ઘરે ઝંડી લગાવવાની જવાબદારી કમિટીના ૧૪ સભ્યોને સોંપવામાં આવી છે. સી.આર.પાટીલે સૂચવેલા પાંચ કામોમાં પ્રથમ દરેક પેજ કમિટીના સભ્યોના ઘરે જઇને સંપર્ક કરવાનો કાર્યક્રમ, બીજો દરેક પેજ કમિટીના ઘરે ઝંડી લગાવવી, ત્રીજું વડીલ વંદના, ચોથું દિવ્યાંગો સરળતાથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવી અને પાંચમું લાભાર્થીઓનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. જેની માટે બુથ કમિટીના ૧૪ સભ્યો આગેવાની લેવા માટે પ્રેરિત કરાશે.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!