સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે નેશનલ એક્સપ્રેસ વે પર કીમ નજીક મોટી નરોરી ટોલ પ્લાઝા પાસે નાકાબંધી કરીને સેલવાસથી વડોદરા તરફ જઈ રહેલા એક આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.૧૪.૮૩ લાખની કિંમતની દારૂ-બીયરની ૮,૦૨૮ બાટલીઓ, રૂ. ૧૦ લાખની કિંમતનો આઈસર ટેમ્પો, રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ રૂ. ૨૪,૯૨,૩૯૬/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે ટેમ્પો ચાલક આર્યન વિજયભાઈ પટેલ (ઉં.વ. ૨૪, રહે. ઉમરગામ, વલસાડ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી આઈસર ચાલક સામે અગાઉ પણ વલસાડ અને નવસારી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને અકસ્માતના ૫ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.
આ કેસમાં દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસનો કિરણ, ટેમ્પોનું પાઈલોટીંગ કરનાર સ્વિફ્ટ કારના ચાલક નિકુંજ, કમલ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાના ઈસમ સહિતના અન્ય સહ-આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પાલોદ પોલીસ સ્ટેશનને સોંપી છે.




