દક્ષિણ ગુજરાતના સરહદી અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં હાલ બેવડી આફત જોવા મળી રહી છે. એક તરફ આકરો ઉનાળો અને કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે બીજી તરફ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અચાનક મોટી સંખ્યામાં કાગડાઓના મોત થતા ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષીઓના આ રીતે રહસ્યમય સંજોગોમાં થતા મોતે ‘બર્ડ ફ્લૂ’ની આશંકા જન્માવી છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે.
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના નવાપુરમાં તાજેતરમાં જ મરઘાઓમાં બર્ડ ફ્લૂ (એવિયન ઈન્ફલ્યુએન્ઝા) હોવાની પુષ્ટિ થઈ છે. ડાંગ જિલ્લો મહારાષ્ટ્રની સરહદે આવેલો હોવાથી ચેપ ફેલાવાનું જોખમ વધી ગયું છે. આ ગંભીરતાને જોતા ડાંગ કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી વન વિભાગ અને પશુપાલન વિભાગને હાઈ એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.બર્ડ ફ્લૂના સંભવિત ખતરાને ખાળવા માટે તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યા છે,મહારાષ્ટ્ર તરફથી ડાંગમાં આવતા મરઘાઓ અને અન્ય પક્ષીઓના પરિવહન પર તાત્કાલિક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.તમામ ફોરેસ્ટ ચેકપોસ્ટને આદેશ અપાયા છે કે મહારાષ્ટ્રથી પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ કરવું અને કોઈપણ સંજોગોમાં પક્ષીઓનો જથ્થો જિલ્લામાં પ્રવેશવો જોઈએ નહીં.નિષ્ણાતોના મતે, એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ પક્ષીઓમાંથી મનુષ્યોમાં સંક્રમિત થઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં પશુપાલન વિભાગ દ્વારા મૃત પક્ષીઓના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો ક્યાંય પણ પક્ષીઓના અકુદરતી મોત દેખાય તો તુરંત વહીવટી તંત્રને જાણ કરવી.



