આફ્રિકન દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન અને કોંગોમાં જીવલેણ ઇબોલા વાઇરસનો પ્રકોપ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. તકેદારીના ભાગરૂપે પ્રશાસન દ્વારા અમદાવાદમાં તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા મુસાફરોને હાલ તેમના ઘરે જ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ તમામ મુસાફરો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહે છે. હાલમાં આમાંથી એકપણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો દેખાયા નથી, તેમજ તેઓ ત્યાં કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી.
જોકે સાવચેતીના પગલે હવે પછી આ ત્રણ દેશોમાંથી આવનારા તમામ મુસાફરો માટે હોમ આઇસોલેશન ફરજિયાત રહેશે. આ ઉપરાંત, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરેન્ટાઇન કરવા માટે અલગથી ૩૦ બેડનો વિશેષ વોર્ડ તૈયાર કરી દેવાયો છે. ઇબોલા વાઇરસને કારણે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા ઊભી થઈ છે. આ જોખમને ઘટાડવા માટે સિવિલ એવિએશન ડિરેક્ટોરેટ જનરલ અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન દ્વારા એરપોર્ટ પર તમામ એરલાઇન્સ માટે કડક નિયમો લાગુ કરાયા છે.
જેના અંતર્ગત એરપોર્ટ પર પ્રવેશતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ (SDF) ભરવું ફરજિયાત રહેશે. એરપોર્ટ પર ભીડ ટાળવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલાં જ પ્લેનમાં આ અંગેની જાહેરાત કરીને ફોર્મ ભરાવી લેવામાં આવશે. એરપોર્ટના આગમન વિસ્તારમાં 247 ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓ તૈનાત કરી દેવાયા છે. આગામી સમયમાં મુસાફરોની પ્રક્રિયા સરળ બનાવવા માટે મંત્રાલય દ્વારા ફરીથી એર સુવિધા પોર્ટલ શરૂ કરવામાં આવી શકે છે.



