દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું દસ્તક દઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું 1 જૂન સુધીમાં પહોંચે છે, પરંતુ આ વખતે તે સમય પહેલા દસ્તક દઈ શકે છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોનું માનવું છે કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ સાબિત થઈ શકે છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે, વર્તમાન પરિસ્થિતિઓ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટે અત્યંત અનુકૂળ બની રહી છે. બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં એક લો-પ્રેશર એરિયા એટલે કે હળવું દબાણ સર્જાયું છે, જે આગામી થોડા કલાકોમાં વધુ મજબૂત થવાની સંભાવના છે.
આ સિસ્ટમની અસરથી દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ વધશે. સાથે જ આ સિસ્ટમથી ચોમાસું ઉત્તર દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે. સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારોમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વરસાદ, વાવાઝોડું, વીજળી પડવી, કરા પડવા અને કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની મિશ્ર અસર જોવા મળશે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને શ્રીલંકાના ઉત્તરી કિનારા પાસે સર્જાયેલું લો-પ્રેશર હવે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
જેના કારણે આંદામાન-નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આશંકા છે. બિહાર અને ઉત્તરાખંડના તમામ જિલ્લાઓમાં જ્યારે ઉત્તર પ્રદેશના 38 જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રાજ્યમાં ઑરેન્જ અને યલો ઍલર્ટ આપ્યું છે. DTE મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરના પવનોમાં ચક્રવાતી સ્વરૂપે બનેલું છે. તેની અસરથી તારીખ 12થી 15 મે સુધી દિલ્હી, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે પવનની ગતિ 30થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પૂર્વ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવવાની પણ આશંકા છે.
જયારે પહાડી રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે. કેટલાક સ્થળોએ કરા પડવાની પણ સંભાવના છે, જેનાથી ફળો અને શાકભાજીના પાકને નુકસાન થઈ શકે છે. દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના અનેક રાજ્યોમાં વરસાદનો દોર ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકમાં તારીખ 14થી 17 મે વચ્ચે ભારે વરસાદ થઈ શકે છે. બીજી તરફ, આસામ, મેઘાલય અને મણિપુર સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ અનેક સ્થળોએ સારો વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમની અસર ઓડિશામાં પણ સ્પષ્ટપણે દેખાશે, જ્યાં રાજ્યના અનેક ભાગોમાં આગામી 6 દિવસ સુધી વરસાદનું અનુમાન છે.
ઓડિશાના 20 જિલ્લામાં વીજળી પડવા અને તેજ પવન સાથે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ વરસાદ અને ગાજવીજનો દોર રહેશે. અનેક સ્થળોએ 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશામાં આગામી થોડા દિવસો સુધી વરસાદ અને તેજ પવનની અસર રહેશે. બિહારમાં કરા પડી શકે છે, ઝારખંડ અને ઓડિશામાં ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે. સિક્કિમ અને ઉત્તર બંગાળના પર્વતીય વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે. ડાઉન ટુ અર્થનાં રિપોર્ટ મુજબ, એક તરફ જ્યાં અનેક રાજ્યોમાં વરસાદથી રાહત મળી રહી છે, ત્યાં બીજી તરફ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં તારીખ 12થી 17 મે સુધી લૂ ચાલવાની સંભાવના છે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તાપમાનમાં વધારો થઈ શકે છે.



