વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપનો આંતરિક જૂથવાદ ચર્ચે ચગ્યો છે. ભાજપના બે દિગ્ગજ નેતાઓના જૂથો વચ્ચે થયેલી તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી અમિત પટેલ ના સમર્થકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.વાયરલ વીડિયોમાં પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અશોભનીય ભાષાનો પ્રયોગ કરતા નજરે પડ્યા છે, જેના કારણે ‘સંસ્કારી પાર્ટી’ની છબી પર સવાલો ઉભા થયા છે.ઘટનાની જાણ થતા જ વાલોડ પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય મોહન ઢોડિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમજાવટથી મામલો શાંત પાડ્યો હતો.
જોકે બબાલ કયા કારણોસર થઈ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધી બંનેમાંથી એક પણ પક્ષ દ્વારા કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. જોકે, જાહેરમાં થયેલી આ લડાઈએ ભાજપના આંતરિક મતભેદોને સપાટી પર લાવી દીધા છે.




