Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢના ટોકરવા ગામ પાસે ગમખ્વાર અકસ્માત : વૃદ્ધનું ઘટના સ્થળ પર મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સોનગઢના ટોકરવા ગામે બીરસા મુંડા સર્કલના વળાંક પાસે રવિવારે સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી સરકારી એસ.ટી. બસે મોટરસાયકલને ટક્કર મારતાં એક ૫૭ વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આંબા ગામે ભીલ ફળિયામાં રહેતા જેન્તાભાઈ ઝેપાભાઈ ભીલ (ઉં.વ.૫૭, ધંધો-મિસ્ત્રીકામ) રવિવારે સવારે પોતાની સ્પ્લેન્ડર મોટરસાયકલ નમ્બર જીજે/૨૬/એએ/૨૫૩૧ લઈને સોનગઢ બજાર કરવા ગયા હતા.

સવારે તેઓ બજાર પતાવી પરત ઘરે ફરી રહ્યા હતા. તે દરમિયાન ટોકરવા ગામના બીરસા મુંડા સર્કલ પાસે સામેથી આવી રહેલી સોનગઢ-ઓટા રૂટની એસ.ટી. બસ નંબર જીજે/૧૮/ઝેડ/૭૭૭૯ ના અજાણ્યા ચાલકે બસ ગફલતભરી રીતે હંકારી જેન્તાભાઈની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જેન્તાભાઈ રોડ પર પટકાતા તેમને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. અકસ્માતની જાણ થતાં જ મૃતકના જમાઈ અરવિંદભાઈ રડતીયાભાઈ ભીલ અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને તાત્કાલિક સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના જમાઈ અરવિંદભાઈ ભીલે સોનગઢ પોલીસ સ્ટેશનમાં એસ.ટી. બસના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.