ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતના કારણે કેદારનાથ યાત્રા માર્ગ પર અંદાજે 1500 જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમનું સરકાર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દુર્ગમ કાલિંદી ટ્રેક પર ફસાયેલા 100થી વધુ ટ્રેકર્સને બચાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. SDRFના જણાવ્યા અનુસાર, રવિવારની મોડી રાત્રે સોનપ્રયાગ પોલીસને સૂચના મળી હતી કે, ગૌરીકુંડથી લગભગ 3 કિલોમીટર આગળ ચીડબાસા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની પેલે પાર ફસાયા છે.
ચીડબાસા હેલિપેડ પાસે રસ્તા પર ભારે કાટમાળના થર જામી ગયા હતા અને સતત પથ્થરો પડી રહ્યા હોવાથી સ્થિતિ અત્યંત જોખમી બની હતી. આવી જીવન જોખમમાં મૂકનારી પરિસ્થિતિ વચ્ચે SDRF, NDRF અને DDRFની સંયુક્ત ટીમોએ મોર્ચો સંભાળ્યો હતો અને ભારે સાવધાની રાખીને તમામ શ્રદ્ધાળુઓને સલામત રીતે જોખમી ઝોન પાર કરાવી ગૌરીકુંડ સુધી પહોંચાડ્યા હતા. સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. બીજી બાજુ, ઉત્તરાખંડના દુર્ગમ કાલિંદી ટ્રેક પર ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા વચ્ચે 100થી વધુ ટ્રેકર્સ ફસાઈ ગયા છે, જેને બહાર કાઢવા માટે મોટું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
કુદરતી આફત સચિવ વિનોદ કુમાર સુમન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, સવારથી જ 8 હેલિકોપ્ટરોની મદદથી આ રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી કર્નલ ઓડન બેઝ કેમ્પથી 29 ટ્રેકર્સને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. આ ટ્રેકર્સ 23 સપ્ટેમ્બરે આગળ વધ્યા હતા, જ્યારે હવામાન વિભાગ દ્વારા 26 તારીખે જ ખરાબ હવામાનનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જરૂર પડ્યે ભારતીય વાયુસેનાની મદદ પણ લેવામાં આવશે. આ ઉપરાંત, ઓડેન કોલ ખાતે ફસાયેલા અન્ય 29 ટ્રેકર્સનું પણ હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. રેસ્ક્યૂ કરાયેલા તમામ ટ્રેકર્સને હર્ષિલ હેલિપેડ પર લાવ્યા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને હાલ તમામનું સ્વાસ્થ્ય સામાન્ય છે.(સૌજન્ય)




