વડોદરા શહેરમાંથી ટેકનોલોજીના માધ્યમથી વિદેશી નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતા એક હાઈટેક ડુપ્લીકેટ કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે પોલીસે એક ફ્લેટ પર દરોડો પાડીને ગેરકાયદેસર નેટવર્ક ચલાવતા ચાર શાતિર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ એક લોકપ્રિય વેબ સિરીઝ જોઈને આખું કૌભાંડ શરૂ કર્યું હતું.આરોપીઓ ડાર્ક વેબ જેવા પ્રતિબંધિત માધ્યમથી અમેરિકન નાગરિકોનો ગુપ્ત ડેટા મેળવતા હતા. આ ડેટાના આધારે લોન કે અન્ય બહાના હેઠળ તેઓ વિદેશીઓ સાથે છેતરપિંડી કરતા હતા.પોલીસે આ મામલે કરણ લોકવાની, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલેરસુલ સૈયદ નામના ચાર શખ્સોની અટકાયત કરી છે.ઘટનાસ્થળેથી કોલ સેન્ટર ઓપરેટ કરવા માટે વપરાતા હાઈટેક ડિવાઈસ, લેપટોપ અને મોબાઈલ ફોન સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વડોદરા શહેર ડીસીપી ઝોન ૨ મંજીતા વણઝારાના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા ઉપકરણોમાં કેટલા વિદેશીઓનો ડેટા છે અને કેટલાનું ટ્રાન્ઝેક્શન થયું છે તેની સચોટ માહિતી માટે ટેકનિકલ તપાસ શરૂ કરાઈ છે. આ રેકેટના તાર અન્ય રાજ્યો કે વિદેશના ગુનાહિત નેટવર્ક સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.




