આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકોને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરતી ગેંગ વધુ સક્રિય બની છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો વાલોડ પોલીસ મથકે નોંધાયો છે, જ્યાં એક ૨૨ વર્ષીય શ્રમજીવી યુવકને હનીટ્રેપમાં ફસાવીને નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડના વાડી ફળિયામાં રહેતા રોશનભાઈ સુનિલભાઈ હળપતિ (ઉં.વ. ૨૨) નામના યુવક પર ગત ૧૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૧૨ વાગ્યાની આસપાસ એક અજાણ્યા વોટ્સએપ નંબર (૭૦૯૬૭ ૫૧૨૪૦) પરથી વીડિયો કોલ આવ્યો હતો. યુવકે કોલ રિસીવ કરતા જ સામે છેડે એક અજાણી સ્ત્રી અર્ધનગ્ન હાલતમાં ગંદા ઇશારા કરી રહી હતી, જેથી યુવકે તુરંત જ કોલ કાપી નાખ્યો હતો.
જો કે, આ સાયબર ગુનેગારોએ પીછો ન છોડ્યો અને થોડી જ મિનિટોના અંતરે વારંવાર ત્રણ વખત વીડિયો કોલ કર્યા હતા. ત્યારબાદ આરોપી મહિલાએ યુવકના વોટ્સએપ પર એક અર્ધનગ્ન ફોટો મોકલ્યો હતો અને ફોન કરીને ધમકી આપી હતી કે, “હું કહું એટલા રૂપિયા તું મારા મોબાઈલ પર ટ્રાન્સફર નહીં કરે તો હું તારો એડિટેડ (મોડિફાઇડ) ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઈશ.”
આ ધમકીથી યુવક ગભરાઈ ગયો હતો અને ભારે માનસિક તણાવમાં આવી ગયો હતો. તેણે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ ૩૦ મે ૨૦૨૬ના રોજ વાલોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશકુમાર મંગાભાઈ ગીલાતરે આ અંગે વિધિવત એફ.આઈ.આર. નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.સાયબર ગુનાની બીજી એક ગંભીર ઘટના ઉકાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે, જ્યાં એક પરિણીત યુવતીની ઓળખ ચોરી કરીને સોશિયલ મીડિયા પર તેની બદનામી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત એવી છે કે, સોનગઢ તાલુકાના એક ગામમાં રહેતી ૨૯ વર્ષીય પરિણીત મહિલા ગત ૨૨ મે ૨૦૨૬ના રોજ રાત્રે પોતાના ઘરે હાજર હતી. તે સમયે તેમના એક પરિચિતનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, ફેસબુક પર ‘kirti vasava’ નામના એક આઇડી પર આ મહિલાના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે.
મહિલાએ તાત્કાલિક સર્ચ કરીને જોતા માલૂમ પડ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ પર ‘kirti vasava’ (ઇન્સ્ટાગ્રામ આઇડી: kirti40450) નામથી ખોટી પ્રોફાઇલ બનાવી હતી. આ બંને આઇડીમાં પ્રોફાઇલ પિક્ચર તરીકે આ ભોગ બનનાર મહિલાનો પોતાનો ફોટો મૂકવામાં આવ્યો હતો. તેમની મંજૂરી કે જાણ બહાર અલગ-અલગ ૫ જેટલા અંગત ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાંથી ચોરી કરીને આ ફેક આઇડી પર અપલોડ કરી ઓળખ છુપાવી ગુનો આચરવામાં આવ્યો હતો.
ભોગ બનનાર મહિલાએ આ અંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર અરજી નોંધાવી હતી. આ સોશિયલ મીડિયા બુલિંગ અને ફેક આઇડીના આધારે ઉકાઇ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પૂજા અનિલકુમાર પારેખે ૩૦ મે ૨૦૨૬ના રોજ ગુનો નોંધીને ટેકનિકલ સેલની મદદથી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.




