ભાવનગર રીજીયનમાં સરકારી શાળાઓના ફાયર સેફ્ટી પ્લાન અને સર્ટિફિકેટ મંજૂર કરવાના બહાને લાંચની માંગણી કરનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર અને તેમના વતી નાણાં સ્વીકારનાર ખાનગી વ્યક્તિને એસીબીએ છટકું ગોઠવીને ઝડપી પાડ્યા છે. રૂા.૫,૦૦,૦૦૦ની કુલ માંગણી પૈકી ૨ લાખનો હપ્તો લેતા વચેટિયો એસ.બી.આઈ. એટીએમ પાસે જાહેર રોડ પરથી પકડાઈ ગયો હતો.
આ કેસની વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે ભાવનગર જિલ્લાની ૭૯ જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો બેસાડવાનો પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કામ પૂર્ણ થયા બાદ આ શાળાઓના ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (NOC) મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવી હતી.આ અરજીઓના નિકાલ અને વ્યવહાર પેટે ભાવનગર રીજીયનના ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર (વર્ગ-૨) મહેશકુમાર અમૃતભાઇ પટેલ દ્વારા રૂા.૫,૦૦,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે પૈકી રૂા.૫૦,૦૦૦ અગાઉ લઈ લેવામાં આવ્યા હતા.
બાકીના નાણાં વચેટિયા પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને આપી દેવા જણાવાયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જે આધારે ૨૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના ગેટ નંબર-૨ પાસે, એસ.બી.આઈ. એટીએમ સામે જાહેર રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ત્યાં વચેટિયા પ્રકાશ ચૌહાણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂા. ૨,૦૦,૦૦૦ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી મહેશકુમાર પટેલને પણ તેમની કચેરીએથી ઝડપી લેવામાં આવ્યા હતા. બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણુંક કરતા એસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




