Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Latest News : આજે દેશમાં 12.4 લાખથી વધુ કેમિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વિતરકો હડતાળની પર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજના ડિજિટલ યુગમાં એક ક્લિક પર કપડાં અને કરિયાણાની જેમ દવાઓ પણ ઘરબેઠા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જાય છે. આ સુવિધા ગ્રાહકોને ખૂબ સુવિધાજનક લાગે છે, પરંતુ તેની પાછળ એક મોટું આર્થિક અને આરોગ્ય સંબંધિત સંકટ આકાર લઈ રહ્યું છે. ભારતભરના 12.4 લાખથી વધુ કેમિસ્ટ અને ફાર્માસ્યુટિકલ વિતરકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’એ આજે એટલે કે તારીખ 20 મે’ના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. મોટા કોર્પોરેટ-સમર્થિત ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ્સ અને ક્વિક-કોમર્સ એપ્સ સામે પરંપરાગત મેડિકલ સ્ટોર સંચાલકો કેમ રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે પરંતુ આ કરવા પાછળનું કરણ પણ આપણે સમજવું પડશે. તો આનું મુખ્ય કારણ ઈ-ફાર્મસી પ્લેટફોર્મનો સતત વધતો જતો વ્યાપ અને ઓનલાઇન દવા વેચાણને નિયંત્રિત કરતી અપૂરતી સરકારી દેખરેખ છે.

કેમિસ્ટ સંગઠનોનો આક્ષેપ છે કે, ઓનલાઇન દવા વેચતા પ્લેટફોર્મ્સ નબળા નિયમન હેઠળ કામ કરી રહ્યા છે. તેઓ પ્રિસ્ક્રિપ્શન, સ્ટોરેજની યોગ્ય શરતો અને ડિલિવરીના કડક ધોરણોની ચકાસણી કર્યા વિના જ આડેધડ દવા વેચી રહ્યા છે. આ સંગઠનના પ્રમુખ જે. એસ. શિંદે અને મહા મંત્રી રાજીવ સિંઘલે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, આ ફક્ત વેપારનો મુદ્દો નથી, પરંતુ દર્દીની સલામતીનો મામલો છે. કેમિસ્ટ ઍસોસિએશનનું કહેવું છે કે, ઓનલાઇન દવા વિક્રેતાઓ પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરતા નથી, જેના કારણે અનેક ગંભીર જોખમો ઊભા થયા છે.

જેમાં એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ : દર્દીઓ એક જ જૂના પ્રિસ્ક્રિપ્શન પરથી વારંવાર ઓનલાઇન દવાઓ મંગાવે છે. નશાકારક અને એન્ટિબાયોટિક્સનો દુરુપયોગ: એન્ટિબાયોટિક્સ અને વ્યસનકારક દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. તેમજ AI જનરેટેડ પ્રિસ્ક્રિપ્શન: આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવેલા પ્રિસ્ક્રિપ્શન બતાવીને ઓનલાઇન દવાઓ ખરીદવાનું જોખમ વધી ગયું છે. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ: ડૉક્ટરની સલાહ વિના ઓનલાઇન એન્ટિબાયોટિક્સના અનિયંત્રિત વપરાશને કારણે શરીરમાં દવાઓ અસર કરતી બંધ થઈ જાય છે, જે વૈશ્વિક સ્તરે જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત મેડિકલ સ્ટોર્સ ખૂબ જ ઓછા નફાના માર્જિન પર કામ કરે છે.

બીજી તરફ, મોટા કોર્પોરેટ જૂથોના પીઠબળ ધરાવતી ઈ-ફાર્મસીઓ ગ્રાહકોને આકર્ષવા માટે 50 ટકા સુધીનું આક્રમક ડિસ્કાઉન્ટ આપે છે. સ્થાનિક કેમિસ્ટો માટે આટલું મોટું ડિસ્કાઉન્ટ આપવું આર્થિક રીતે શક્ય નથી. આથી બજારમાં ‘અન્યાયી સ્પર્ધા’ ઊભી થઈ રહી છે, જે નાના કેમિસ્ટોના અસ્તિત્વને જોખમમાં મૂકી રહી છે. કેમિસ્ટોની માંગ છે કે સરકારે આ પ્રિડેટરી પ્રાઇઝિંગ રોકવી જોઈએ અને બજારમાં બધા માટે સમાન તક એટલે કે ‘લેવલ પ્લેઇંગ ફીલ્ડ’ નીતિ લાવવી જોઈએ.

જયારે આ સમગ્ર વિવાદના મૂળમાં સરકારના બે મુખ્ય નોટિફિકેશન છે, જેને લઈને કેમિસ્ટો ભારે વિરોધ કરી રહ્યા છે. પહેલો છે G.S.R. 220(E) નોટિફિકેશન :માર્ચ 2020માં દેશમાં કોવિડ-19 મહામારીના કારણે કટોકટી અને લોકડાઉનની સ્થિતિ હતી, ત્યારે સરકારે દર્દીઓ સુધી દવાઓ સરળતાથી પહોંચી શકે તે માટે કામચલાઉ ધોરણે G.S.R. 220(E) નોટિફિકેશન જાહેર કર્યું હતું, જે અંતર્ગત દવાઓની હોમ ડિલિવરી માટે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી. કેમિસ્ટોનો આરોપ છે કે મહામારી પૂરી થઈ ગઈ હોવા છતાં સરકારે આ કામચલાઉ છૂટછાટ ચાલુ રાખી છે. આનાથી બજારમાં એવી છટકબારીઓ ઊભી થઈ છે જેનો ગેરફાયદો ઈ-ફાર્મસી અને ક્વિક-કોમર્સ મેડિસિન એપ્સ ઉઠાવી રહી છે. આ છૂટછાટો પ્રિસ્ક્રિપ્શન દવાના વેચાણને નિયંત્રિત કરતા ‘ડ્રગ નિયમ 65’ હેઠળના સલામતી પગલાંને નબળા પાડે છે.

બીજી નોટીફીકેશન એવી છે કે, G.S.R. 817(E)નો ડ્રાફ્ટ છે. આ ડ્રાફ્ટમાં ઈ-ફાર્મસીઓને નિયંત્રિત કરવા માટે ફરજિયાત નોંધણી, પ્રિસ્ક્રિપ્શન તપાસ, ઓપરેશનલ સેફગાર્ડ્સ (સુરક્ષા ઉપાયો) અને નિયમોના ઉલ્લંઘન બદલ દંડની જોગવાઈઓ પ્રસ્તાવિત કરાઈ હતી. જો કે, સરકારે આ ડ્રાફ્ટનો ઔપચારિક રીતે અમલ પણ ન કર્યો અને તેને પાછો પણ ન ખેંચ્યો. સ્પષ્ટ કાનૂની માળખાના અભાવે ઈ-ફાર્મસીઓ કોઈપણ રોકટોક વિના બિન્ધાસ્ત કામ કરી રહી છે, જેનો કેમિસ્ટો વિરોધ કરી રહ્યા છે અને તેને રદ કરવાની માંગ કરી રહ્યા છે.

તાજેતરમાં કેમિસ્ટ ઍસોસિયેશનના સભ્યોએ કેન્દ્રીય દવા નિયમનકારના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ મુદ્દો હાલમાં આરોગ્ય મંત્રાલયની સમીક્ષા હેઠળ છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર આશ્વાસનો મળતા હોવાથી કેમિસ્ટો સંતુષ્ટ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અંગે મેમોરેન્ડમ સુપરત કરાયું છે. કેમિસ્ટોએ ચેતવણી આપી છે કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. તેમજ આજે યોજાનારી આ હડતાળથી નાના શહેરો અને અર્ધ-શહેરી વિસ્તારોમાં નિયમિત દવા ખરીદી પર થોડી અસર પડી શકે છે કારણ કે ત્યાં સ્થાનિક ફાર્મસીઓ જ મુખ્ય સ્રોત છે. જો કે, ઍસોસિયેશને સ્પષ્ટ કર્યું છે કે ઈમરજન્સી દવાઓ તમામ જગ્યાએ ઉપલબ્ધ રહેશે.(File Photo)