તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શુક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપન વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રીશ્રીએ તમામ વિભાગોને સુચારૂ સંકલન સાથે કાર્ય કરી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કુદરતી આપદાની સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ માટે સજ્જ રહેવા સૂચના આપી હતી. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા, વીજ પુરવઠાની અવિરતતા, રોગચાળાના નિયંત્રણ માટે દવાઓનો પૂરતો જથ્થો અને તબીબી ટીમોને એલર્ટ રાખવા પર ભાર મૂકાયો હતો.
બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ 24 કલાક કાર્યરત રાખવા, વરસાદના આંકડા નિયમિત રીતે ડિઝાસ્ટર શાખાને મોકલવા તથા તાલુકાવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને અંતિમ સ્વરૂપ આપવા સૂચના આપવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારો, પુરગ્રસ્ત ગામો અને તરવૈયાઓની યાદી અપડેટ કરવામાં આવી છે. કટોકટી સમયે ત્વરિત સંપર્ક માટે તલાટી અને સરપંચોના મોબાઈલ નંબર સહિતનો ડેટાબેઝ પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
આપત્તિ વ્યવસ્થાપન માટે લાઈફ જેકેટ, લાઈફ બોયા, જનરેટર સહિતના બચાવ સાધનોની કાર્યક્ષમતા ચકાસવા તેમજ આપદામિત્રો અને તરવૈયાઓની યાદી અધતન રાખવા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી.ચોમાસા પૂર્વે ગટર, નદી-નાળાની સફાઈ, જોખમી વૃક્ષોનું કટીંગ, માર્ગો પર રિફ્લેક્ટર્સ સ્થાપિત કરવા તથા ભયજનક ઈમારતો અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરાઈ હતી.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓ કે.કે. ગામીતે પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ વિભાગોની પ્રિ-મોન્સૂન કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.બેઠકમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




