સુરત ગ્રામ્ય વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત સુરત ગ્રામ્ય એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. કોસંબા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ત્રણ જેટલા અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા રીઢા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો ઠાકોરભાઈ વસાવા (ઉં.વ. ૩૩, રહે. કઠવાડા, તા. માંગરોળ, જી. સુરત)ને પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના મુજબ LCB PI એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ASI રોહિતભાઈ બાબુભાઈ અને હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ રામજીભાઈને ખાનગી બાતમી મળી હતી કે, કોસંબાના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ધર્મેન્દ્ર વસાવા કીમ ગામે ઓવરબ્રિજ નીચે સર્કલ પાસે ઊભો છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડી આરોપીને સ્થળ પરથી દબોચી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપી સામે કોસંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ૩ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. LCB પોલીસે આરોપીનો કબ્જો મેળવી આગળની કાનૂની કાર્યવાહી અર્થે તેને કીમ પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યો છે.




