સુરત શહેરના માંગરોળના લીમોદરા ગામની સીમમાં આવેલા ખેતરમાંથી અજાણ્યા તસ્કરો સોલાર પ્રોજેક્ટનાં ૧૮.૫૦ લાખના કોપર વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયારે બીજી ઘટનામાં કોસમાડામાં બુલેટ ટ્રેન સાઈટના ૧.૯૪ લાખના કોપર વાયર ચોરાયા હતા. મળતી માહિતી મુજબ, અડાજણ ખાતે પ્રવેગ રો-હાઉસનાં રહેતા નિલેશભાઈ મહેશભાઈ શાહ વેપાર કરે છે. જોકે માંગરોળનાં લીમોદરા ગામની સીમમાં આવેલા નિલેશભાઈની માલિકીનાં સર્વે નં-૨૨૫ તથા ૨૨૬ વાળા ખેતરમાં સોલાર પ્રોજેક્ટ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.
જે દરમિયાન ખેતરમાં ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ સોલાર પેનલથી ઈન્વેટરમાં વપરાતા ડી.સી. કેબલ ૬ સ્વેર એમ. એમ.નો કુલ ૧૮.૫૦ લાખાના આશરે ૧૮,૦૦૦ મીટર કોપર વાયરની અજાણ્યા ચોર ઇસમો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ ચોરીની જાણ નિલેશભાઈને થતા પાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જયારે બીજા કિસ્સામાં કામરેજના કોસમાડા ગામની સીમમાં આવેલા એલ.એન્ડ ટી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચેનલ નં-૨૬૬ એસએસપી-૧૦ ઈડબ્લ્યુ-૧ ખાતે ખુલ્લી જગ્યામાંથી ૧.૯૪ લાખની કિંમતના ૨૫૮.૫ મીટર કોપર વાયરને તસ્કરો રાત્રે ઉઠાવી ગયા હતા. બીજા દિવસે સાઈટ પર આવેલા કંપનીના અધિકારીને ચોરીની ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




