ઉત્તરપ્રદેશનાં લખીમપુર ખીરીમાં એક ભયાનક માર્ગ દુર્ઘટના થઇ હતી. જેમાં બહરાઇચ રોડ પર ઉંચ ગામની પાસે પૂરઝડપે જઇ રહેલ પ્રવાસીઓથી ભરેલ એક મેજિક વેન ટ્રકમાં ઘૂસી જતાં વેનમાં બેઠેલા 10 લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા છે. જોકે મેજિક વેનમાં 8 થી 12 લોકો બેઠા હતા. બે વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે 8 જણનાં ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય ચાર વેન-પ્રવાસીઓ ગંભીર પણે ઘાયલ થયા. આમાંથી એક જણનું ઇલાજ દરમિયાન મોત થયું. 
મેજિક વેનમાં 8 પુરૂષ, જ્યારે ચાર મહિલા સહિત 12 લોકો બેઠા હતા. બધા શ્રમજીવીઓ હતા, જેઓ મજૂરી-કામ માટે લખીમપુર ખીરી જઇ રહ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલમાં પહોંચાડયા. મૃતકોના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાવાઇ રહ્યા હતા.
આ માર્ગ-દુર્ઘટના એટલી ભયાનક હતી કે મેજિક વેનના ફૂરચા નીકળી ગયા. અકસ્માત થતાં જ વેનના પ્રવાસીઓમાં બૂમાબૂમ મચી ગઇ. આ જોઇ-સાંભળીને ભારે ભીડ જમા થઇ ગઇ અને લોકોએ યેનકેન પ્રકારેણ મેજિક વેનમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢ્યા, જે પૈકીના જખ્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. આમ, પોલીસ ટીમે ક્રેનની મદદથી મેજિક વેન તથા ટ્રકને હાઇવે પરથી ખસેડીને વાહનવ્યવહાર પુન: ચાલુ કરાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા. જોકે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના બાબત દુ:ખ વ્યક્ત કરીને સંબંધિત અધિકારીઓને ફોન પર ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવાની સૂચના પણ આપી હતી.



