વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં “સ્વસ્થ જીવન માટે યોગ” થીમ હેઠળ ઉત્સાહભેર યોજાઈ હતી.
રાજ્યમંત્રી ડૉ. ગામીતે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયાસોથી યોગને વૈશ્વિક માન્યતા મળી છે અને સ્વસ્થ, તંદુરસ્ત તથા તણાવમુક્ત જીવન માટે નિયમિત યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઈએ. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના સંબોધનનું પ્રસારણ પણ નિહાળ્યું.
યોગ શિક્ષકો દ્વારા નિયત પ્રોટોકોલ મુજબ આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત વહીવટી અધિકારીઓ, યોગ શિક્ષકો, રમતવીરો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ યોગમય અને ઉત્સાહપૂર્ણ બન્યું હતું.




